મોત પણ
આવશે આંગણ, ટકોરા દઈ, હસીને મોત પણ,
ને જશે ખાલી ય હાથે, ત્યાં ફરીને મોત પણ.
બાળ સૂતું’તું ગુલાબી, માવડીની ગોદમાં,
દ્વારથી ચાલ્યું ગયું, મનમાં રડીને મોત પણ.
સરહદે ઊભો સિપાહી, બર્ફમાં પણ ના ડગે,
જોઈ એની આંખ, ભાગ્યું કૈં ડરીને મોત પણ.
રાતની નીરવ ઘડીમાં, એમ દાદા પોઢિયા,
ચાંદનીની જેમ આવ્યું, જો ઠરીને મોત પણ.
આ પરાગે ધૂળમાં ભાળી નવી કૂંપળ, અને
ફૂલ થઈ ખીલ્યું ફરીથી, ત્યાં ભળીને મોત પણ.
– પરાગ રતનપરા
#ગઝલ #મૃત્યુ #જીવનચક્ર #મમતા #શૌર્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Death #CycleOfLife #Courage #Rebirth #ParagRatanpara