ડાળખી
વડની એક ડાળખીએ
નક્કી કર્યું છે —
એ કોઈ પંખીનો માળો નહીં ઝીલે.
સુઘરી આવી, ના પાડી.
કાબર આવી, ના પાડી.
ચકલી તો બારણે ઊભી રહીને
પાછી વળી ગઈ.
આખું વૃક્ષ એને મીંઢી કહે છે,
પાંદડાં ગુસપુસ કરે છે:
‘આ તે કેવી ડાળ,
જેને ભાર જ નથી જોઈતો?’
કોઈને ખબર નથી —
ગયા ચોમાસે
એના પર લટકેલો એક માળો
વાવાઝોડામાં
ઈંડાં સમેત નીચે પડ્યો હતો.
ડાળખી હજી
પવન આવે ત્યારે
ખાલી ખાલી ઝૂલે છે,
જાણે કોઈ પારણું
હીંચકાવતી હોય.
– પરાગ રતનપરા