દાડમડી
આંગણે મારે દાડમડી ને દાણા લાલમલાલ રે,
સાયબો મારો પરદેશે, ને ખાલી ખાલી ડાળ રે.
દાણો દાણો તોડું ને હું ગણું દિવસની રાતો,
દાડમડી પૂછે: ‘ગોરી, તારો ક્યાં ગયો મદમાતો?’
હું બોલું ના, પણ ગાલે ઊઘડે દાડમ જેવો ગુલાલ રે…
આંગણે મારે દાડમડી…
પોપટ આવી ચાંચ મારે ને ચાખી જાય રે દાણો,
મારા ભાગે એક ન આવે, સાયબા, તું તો જાણો;
ઝટ આવો તો સાથે ખાશું, મીઠો થાશે કાળ રે…
આંગણે મારે દાડમડી…
પરાગ કહે: આ દાડમડીમાં દાણા જેટલી વાતો,
ફાટ્યું દાડમ જેમ હસે, એમ હસે આ રાતો;
સાયબો આવ્યો ગામને પાદર, ઝૂમી ઊઠી ડાળ રે…
આંગણે મારે દાડમડી…
– પરાગ રતનપરા