કોળી ગયું
તું જરા હસતી, અને આ આંગણું કોળી ગયું,
બંધ વરસોથી હતું જે બારણું કોળી ગયું.
કંકુનાં પગલાં થયાં ને ઘર બધું ઝળહળ થયું,
માળિયે પોઢેલ જૂનું પારણું કોળી ગયું.
તેં અડક્યો જ્યાં જરા આ જીર્ણ છેડો લાજનો,
સાવ ઝાંખું થઈ ગયેલું ઓઢણું કોળી ગયું.
પોષની ઠંડી હતી ને વાત તારી નીકળી,
ઠારમાં ઠરતું હતું એ તાપણું કોળી ગયું.
આ પરાગે નામ તારું ગીતમાં ટાંક્યું જરા,
ને કલમનું સાવ સૂકું ઢાંકણું કોળી ગયું.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પ્રથમપ્રેમ #ઘર #નવજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveBlooms #NewBride #HomeComesAlive #Romance #ParagRatanpara