દાદાની છત્રી
માળિયામાંથી
દાદાની કાળી છત્રી નીકળી.
ખોલી
તો એક સળિયો તૂટેલો,
એક કાણું,
ને અંદરથી
ઓગણીસસો ચોર્યાસીનો
એક સૂકો વરસાદ ખર્યો.
મેં માથે ઓઢી,
ને ઓસરીમાં ઊભો રહ્યો —
બહાર કોઈ વાદળ નહોતું,
છતાં મારા ખભા ભીંજાયા.
દીકરાએ પૂછ્યું:
‘પપ્પા, ઘરમાં છત્રી કેમ?’
મેં કહ્યું:
‘બેટા, છત્રી વરસાદ માટે નથી,
કોઈના હાથની છાંય માટે છે.
એ હાથ જ્યારે જતો રહે
ત્યારે
તડકો પણ ઝરમર લાગે છે.’
– પરાગ રતનપરા