ચોથા માળની બારી
ચોથા માળની બારીમાંથી
એ બાળકો
પહેલી વાર
આકાશને આટલું નજીક જોતાં હતાં.
પાછળ ધુમાડો હતો,
આગળ હવા.
એમની પાસે પાંખો નહોતી,
માત્ર સપનાં હતાં —
ડૉક્ટર, એન્જિનિયર, ચિત્રકાર બનવાનાં.
નીચે ટોળું હતું,
મોબાઇલ ઊંચા હતા,
ને ફાયરબ્રિગેડની સીડી
બે માળ ટૂંકી પડી.
બીજે દિવસે
ફાઇલો ખૂલી,
તપાસ બેઠી,
નિવેદનો આવ્યાં,
મીણબત્તીઓ સળગી.
ને પછી
બધું
પહેલાં જેવું થઈ ગયું —
સિવાય કે
એ ઘરોમાં
હજી કોઈ
દફતર ખોલવાની હિંમત કરતું નથી.
– પરાગ રતનપરા