← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોકીદાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતે બાર વાગ્યે
ગલીના નાકે
બહાદુરની સીટી વાગે —
ને આખી સોસાયટી
પડખું ફેરવીને સૂઈ જાય.

દિવાળીએ એ બક્ષિસ લેવા આવે
ત્યારે અમે બારણું અડધું ખોલીએ,
પચાસની નોટ લંબાવીએ
ને મનમાં બબડીએ:
‘આ લોકો તો દર વરસે…’

ગયા અઠવાડિયે
સીટી ન વાગી.
ખબર પડી —
એ નેપાળ ગયો છે,
એની મા ગુજરી ગઈ.

એ અઠવાડિયે
સોસાયટીના બધા દરવાજા
બે-બે વાર તપાસાયા,
બધી બત્તીઓ
મોડે સુધી બળી.

ત્યારે સમજાયું —
અમારી ઊંઘ
અમારા ગાદલામાં નહોતી;
એક પરદેશી માણસના
ફેફસામાં હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરફૂઆગલો લેખ →ગાંધી