← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોકીદાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મધરાતે સીટી વગાડે, ગલીએ ગલીએ ફરતો,
‘જાગતે રહો’ બોલી બોલી પોતે જાગ્યા કરતો.

સૌનાં સપનાં સાચવવાનું કામ મળ્યું છે એને,
એનાં સપનાં ગામડે સૂતાં, ઘરવાળીનાં નેણે;
ચાંદો એનો ભેરુ, એની સાથે વાતો કરતો…
મધરાતે…

ઠંડીમાં ઠૂંઠવાતો, તાપણું કરી હાથ શેકે,
કૂતરાંની સાથે ભેરુબંધી, ભસે તો હાકલ ફેંકે;
ભરનીંદરમાં પોઢ્યું નગર, એ એકલ પહેરો ભરતો…
મધરાતે…

પરાગ કહે: ભાઈ, શાંતિથી ઊંઘો, એ ઉપકાર ન ભૂલો,
કોઈ જાગે ત્યારે ઝૂલે સૌનાં સપનાંનો ઝૂલો;
સવાર પડે ત્યાં ઘેર જઈ, એ તડકે તડકે ઠરતો…
મધરાતે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમા અંબિકાઆગલો લેખ →ઘરડાઘરે