ઘરડાઘરે
હાથ ઝાલી લઈ ગયો, બા, દીકરો ઘરડાઘરે,
ઘોડિયે જેને ઝુલાવ્યો, છોકરો ઘરડાઘરે.
શ્વાનને સોફા મળે, ને બંગલે ગાડી ઘણી,
બા જ જાણે ભાર, ફેંક્યો ઠીકરો ઘરડાઘરે.
રોજ બારીમાં નજર, ને રાહ જોતી રાતભર,
આવતો ના, મોકલે ફળ, નોકરો ઘરડાઘરે.
જિંદગીભર ચાકરી સૌની કરી, એ માવડી
આજ એને સાચવે છે ચાકરો ઘરડાઘરે.
‘ખુશ રહે મારો!’ દુઆ દે છે હજી બા, ઓ ‘પરાગ’,
કાલ એ પણ આવશે, થઈ ડોકરો, ઘરડાઘરે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘરડાઘર #મા #વૃદ્ધાવસ્થા #સંતાન #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAgeHome #Mother #ElderCare #CycleOfLife #ParagRatanpara