ચશ્માં
દાદાનાં ચશ્માં
હજી ટેબલ પર પડ્યાં છે,
કાચ પર
એમની આંગળીનાં ઝાંખાં નિશાન સાથે.
એક દિવસ
મેં પહેરી જોયાં —
બધું ધૂંધળું,
રેખાઓ ઓગળેલી,
ચહેરા અડધા.
હું હસ્યો:
‘દાદા, આમાં તો કશું દેખાતું નથી!’
પછી
ચશ્માં ઉતાર્યાં
ત્યારે સમજાયું —
આ જ કાચમાંથી
દાદા
અમને જોતા હતા:
ઝાંખા,
અધૂરા,
ને તોય
દુનિયાનાં સૌથી સુંદર.
– પરાગ રતનપરા