ચોક
સવારે છ વાગ્યે
ચોકમાં
અમે ઊભા છીએ —
કડિયા, મજૂર, રંગારા,
હાથમાં ટિફિન,
ખભે ઓજાર.
દરેક ગાડી
ધીમી પડે
ત્યારે
સોએ સો હાથ
એકસાથે ઊંચા થાય છે —
જાણે
પ્રાર્થનામાં.
ગાડી
પાંચને લઈ જાય છે.
પંચાણું હાથ
ધીમે ધીમે
નીચે આવે છે.
નવ વાગ્યે
જેને કામ ન મળ્યું
તે
ટિફિન ખોલે છે,
સવારનો રોટલો જુએ છે,
ને
એને
સાંજ માટે
પાછો વીંટી દે છે.
– પરાગ રતનપરા