ચંપલ
મેં ચંપલને પૂછ્યું:
‘તારું નસીબ શું?’
ચંપલ બોલ્યું:
‘આખી જિંદગી
તારો ભાર ઊંચકવો,
કાંટા, કાંકરા, તડકો
પહેલાં મારે ઝીલવાં,
ઘસાઈ ઘસાઈને
તારા પગને
સુંવાળા રાખવા.’
‘ને પછી?’
‘ને પછી
તું મંદિરે જાય
ત્યારે મને
બહાર ઉતારી દેવું —
જાણે
તારો ભગવાન
મારાથી અપવિત્ર થઈ જશે.’
હું ઉઘાડા પગે
મંદિરના પગથિયે ઊભો રહ્યો —
પહેલી વાર
મને પગ દાઝ્યા.
– પરાગ રતનપરા