ચંદ્ર
વિજ્ઞાનના શિક્ષકે કહ્યું:
‘ચંદ્ર
એક મરેલો પથ્થર છે.
ન હવા, ન પાણી,
ન કોઈ શ્વાસ.’
વર્ગમાં સૌએ લખી લીધું.
તે રાતે
ધાબા પર
એક છોકરીએ
પહેલી વાર
કોઈનો હાથ પકડ્યો,
એક ડોશીએ
પરદેશ ગયેલા દીકરાને
એ જ ચંદ્ર ચીંધીને
‘જમ્યો?’ પૂછ્યું,
ને એક બાળક
દૂધના કટોરામાં
ચંદ્રને પીતું પીતું
ઊંઘી ગયું.
મરેલો પથ્થર
આખી રાત
આટલું બધું જીવી ગયો —
એ વાત
કોઈ પાઠ્યપુસ્તકમાં નથી.
– પરાગ રતનપરા