સોગંદ લઈ
તું ગયો ’તો દૂર, તોયે શ્વાસના સોગંદ લઈ,
રાહ જોઉં ઘાટ પર હું, પ્યાસના સોગંદ લઈ.
એક ઝાકળ રાતભર તરણા ઉપર ઝૂમ્યું ભલે,
સૂર્ય આવ્યો, તો ગયું એ ઘાસના સોગંદ લઈ.
ગોકુળે મૂકી ગયા સૌ, દ્વારિકા રાજા થયા,
રાધિકા ઊભી રહી’તી રાસના સોગંદ લઈ.
સરહદે જઈ પુત્ર ઊભો, ઉંબરે મા એકલી,
દીપ બાળે રોજ ઝીણી આસના સોગંદ લઈ.
આ પરાગે ના ભમરનો સાથ લીધો, ના હવા,
ફૂલમાં જીવ્યો સદા એ વાસના સોગંદ લઈ.
– પરાગ રતનપરા
#ગઝલ #સોગંદ #પ્રતીક્ષા #રાધા #સૈનિકનીમા #પરાગરતનપરા
#GujaratiGhazal #Vows #Waiting #RadhaKrishna #SoldiersMother #ParagRatanpara