છૂટે નહીં
તાપ છે, તોફાન છે, પણ છાંયડો છૂટે નહીં,
ભીંત તૂટી, છત ટપકતી, ઓરડો છૂટે નહીં.
સાંજ પડતાં રોજ જાઉં, કોઈ મળતું પણ નથી,
તોય પેલો પાર્કનો એ બાંકડો છૂટે નહીં.
આંખ મીંચી, શ્વાસ ગણતો, ધ્યાનમાં બેઠો, છતાં
ડાળ ડાળે કૂદતો મન-માંકડો છૂટે નહીં.
લાખ સમજાવ્યો મને સૌ સજ્જનોએ, તો ય આ
કૂતરાની પૂંછડી શો વાંકડો છૂટે નહીં.
જિંદગીભર હાઈવે પર દોડતો આવ્યો, ‘પરાગ’,
એક રસ્તો ગામનો એ સાંકડો છૂટે નહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #માયા #વળગણ #જીવન #ગામડું #પરાગરતનપરા
#GujaratiGhazal #Attachments #LifesBonds #RestlessMind #Village #ParagRatanpara