આ હુંપણું
મંચ મળતાં, હાર મળતાં, ચમકતું આ હુંપણું,
મિત્રનું ઘર જોઈ મોટું, ખટકતું આ હુંપણું.
નામ માટે, દામ માટે, માન માટે રાતદિન,
આ ગલીથી એ ગલી બસ ભટકતું આ હુંપણું.
જે ભરેલો હોય, એ તો ચૂપ ઊભો છે સદા,
ખોખલું છે, એટલે તો છલકતું આ હુંપણું.
ના ખુદાનું નામ, ના તો દેશનો ઝંડો કશો,
છાપરે મારા ધજા થઈ ફરકતું આ હુંપણું.
આ ‘પરાગે’ જોઈ લીધું: નમ્ર ત્યાં પ્હોંચી ગયા,
દ્વાર નીચું મંદિરે, ત્યાં અટકતું આ હુંપણું.
– પરાગ રતનપરા
#ગઝલ #અહંકાર #હુંપણું #નમ્રતા #આત્મનિરીક્ષણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Ego #Humility #SelfReflection #Vanity #ParagRatanpara