છૂટા શેર ૮૬૬૬–૮૭૧૦
૮૬૬૬.
ભીંત પર ટાંગેલ ફોટામાં હજી હસતા પિતા,
ઓરડામાં સૌ ઉદાસી, એ જ બસ મલકે ખરા.
૮૬૬૭.
રોજ ખોલું બારણું, ને રોજ ઊગે છે સવાર,
તોય લાગે છે, હજી ઊગ્યો નથી મારો દિવસ.
૮૬૬૮.
વાયદાની વાવણી નેતા કરે વરસાદ વિણ,
ખેતરે તો ઊગતી બસ પાંચ વરસે ચૂંટણી.
૮૬૬૯.
જ્યાં સુધી મા'તી, હતો હું બાળ, ભોળો, બેફિકર,
મા ગયાં ને એક પળમાં હું ઘણો મોટો થયો.
૮૬૭૦.
ઓસનું ટીપું ભલે ને, સૂર્યને ઝીલી શકે,
જાત નાની હોય તો પણ, મન રહે છે મોકળું.
૮૬૭૧.
ફોનમાં હજ્જાર મિત્રો, ને ગલીમાં કોઈ ના,
આંગળી ફરતી રહે, ને હાથ તો ખાલી જ છે.
૮૬૭૨.
ફ્લેટ મોટો થઈ ગયો, ને ઓરડા પણ છે ઘણા,
તોય માના ખાટલાનો એક ખૂણો ક્યાં હવે?
૮૬૭૩.
કાગડો બોલે, હજી બા આંગણે દોડી જતી,
ફોનમાં મેસેજ આવે, તોય રાહ જુએ ટપાલ.
૮૬૭૪.
ચાર દિન ભૂખ્યો રહીને, પાંચમે થાળી ભરી,
વજનકાંટો રોજ ચીસે: 'ભાઈ, મારા પર દયા!'
૮૬૭૫.
હું નદી છું, તું કિનારો, આપણો સંબંધ શો?
રોજ સ્પર્શું છું તને, ને રોજ છોડી ચાલતી.
૮૬૭૬.
દીકરો આવે કદી, એ આશમાં મા રોજ પણ
સાડલો ઇસ્ત્રી કરે, ને સાંજના પાછી ગડી.
૮૬૭૭.
બોલ તો છૂટી ગયો, માફી ઘણી માગી પછી,
તીર ભાથામાં ફરે, પણ ઘાવ પાછો ના વળે.
૮૬૭૮.
ઊંઘમાં હસતું રહે છે બાળ, શું જોતું હશે?
કો પરી સપને રમાડી જાય છે એને કદાચ.
૮૬૭૯.
આ ગઝલ મેં ક્યાં લખી છે? ઓસરીમાં બા હતી,
એ જ બોલી, મેં ફકત એને લખી, બસ એટલું.
૮૬૮૦.
પાન ખરતાં ઝાડને પણ દર્દ તો થાતું હશે,
એટલે તો પાનખરમાં ઝાડ ચુપકી સાધતું.
૮૬૮૧.
આ નગરની ભીડમાં ચાલું ખભાથી હું ખભો,
એકલો છું તોય, ખિસ્સામાં ઉદાસી ઊંઘતી.
૮૬૮૨.
વાવણી ખેડૂતની, ને ભાવ ઊગે શેઠના,
ખેતરે સોનું ઝળકતું, ઝૂંપડીમાં ભૂખ છે.
૮૬૮૩.
આયનો સાચું કહે છે, એ જ એની ભૂલ છે,
એટલે તો શેઠ એને ઢાંકતા પડદો કરી.
૮૬૮૪.
સાંભળીને ભાષણો જો ભૂખ ભાંગી હોત તો,
તો ગરીબી દેશમાંથી ક્યારની ભાગી જતે.
૮૬૮૫.
પત્ર તારો વાંચવા ના જોઈએ ચશ્માં હવે,
આંગળીના ટેરવે હું રોજ વાંચું છું તને.
૮૬૮૬.
હાથમાં છત્રી હતી, ને હું પલળ્યો યાદમાં,
વાદળોને શું ખબર, વરસાદ કેવો હોય છે?
૮૬૮૭.
દોસ્ત એવો હોય, જે બોલ્યા વિના પરખી શકે,
ચા ભલે ઠંડી પડે, વાતો ગરમ રાખે સદા.
૮૬૮૮.
મોત આવ્યું બારણે, ત્યાં ચા પિવાડી પ્રેમથી,
એ ય થાક્યું'તું, ઘડી બેસી, ગયું પાછું પછી.
૮૬૮૯.
લગ્નમાં વર કોણ? કન્યા કોણ? ના જાણ્યું કદી,
ભાવતું તે ખાઈ લીધું, ને ગયા પાછા ઘરે.
૮૬૯૦.
માખણો ચોર્યાં હતાં, પણ લઈ ગયો હૈયું ય એ,
ને જશોદાને સદા એ દોરડું ટૂંકું પડે.
૮૬૯૧.
ફૂલ તો સૌ જોઈ લે છે, મ્હેક ક્યાં દેખાય છે?
એટલે તો આ પરાગે સૌ ગઝલ હળવી લખી.
૮૬૯૨.
રોગ ભાગ્યો સારવારે, બેંક ખાતું પણ ગયું,
ને પછી બિલ જોઈ દર્દી ત્યાં ફરી બીમાર થ્યો.
૮૬૯૩.
બાળપણમાં આંબલીનાં કાતરાં તોડ્યાં હતાં,
આજ મોંઘા મોલમાં પણ સ્વાદ એવો ક્યાં મળે?
૮૬૯૪.
તું ગયાં, ને ઓરડે પડદો હજી ઝૂલ્યા કરે,
હાથથી જાણે હટાવી તું હજી જોતી હશે.
૮૬૯૫.
દીકરીને મેં વળાવી, ત્યારથી આ ઓરડો
રાતભર એની જ જૂની ઢીંગલીથી બોલતો.
૮૬૯૬.
હાથ બરછટ, તોય રોટી સાવ સુંવાળી બને,
એ હથેળીમાં હતું શું? આજ પણ સમજાય ના.
૮૬૯૭.
જિંદગીની આ પરીક્ષા, પ્રશ્ન સૌ પૂછાય છે,
ને જવાબો આપવા આ એક ભવ ઓછો પડે.
૮૬૯૮.
ગામમાં ઓટો નહીં, પણ ઓટલા ઝાઝા હતા,
આજ ઓટોની કતારો, ઓટલો એકે નથી.
૮૬૯૯.
પ્રાર્થનામાં શું કહું? તું તો બધું જાણે જ છે,
એટલે બેસી રહું છું મૌન, એ મારી દુઆ.
૮૭૦૦.
ફી ભરી આખા વરસની, જિમ મહીં હાંફ્યો ઘણો,
પેટ એનું એ જ, ને ખિસ્સું થયું હળવું ઘણું.
૮૭૦૧.
ભીતરે શોધ્યો તને, તો આયનો ફૂટી ગયો,
કેદ મારી જાતમાં'તો, એ પળે છૂટી ગયો.
૮૭૦૨.
આભ સામે આંખ માંડી, ખેતરે ખેડૂત છે,
વાદળાં વરસે નહીં, તો આંખ એની વરસશે.
૮૭૦૩.
શબ્દ પણ થાકી જતા, જ્યારે તને લખવા ગયો,
છેવટે મેં માત્ર તારું નામ લીધું, એટલું.
૮૭૦૪.
ભાઈઓએ ઘર વહેંચ્યું, ભીંત ઊભી ચોકમાં,
પણ પછી તુલસી રડી, એ કોઈના ભાગે નથી.
૮૭૦૫.
રાત કાળી હોય, તોયે આગિયો ઝળકે જરા,
એટલું ઓછું નથી, અંધાર હારી જાય છે.
૮૭૦૬.
કીટલી પાસે બધા નેતા અને જ્ઞાની બને,
ઘેર જઈ પત્ની કને સૌ મૌનનું વ્રત પાળતા.
૮૭૦૭.
ચાંદ જોઉં ત્યાં મને તું સાંભરે છે રાતભર,
ને પછી ઈર્ષ્યા કરી, ચાંદો છુપાતો વાદળે.
૮૭૦૮.
ફૂટપાથે બાળ સૂતું, આભમાં તારા ઘણા,
ઓઢવાને ના કશું, તો આભ ઓઢી ઊંઘતું.
૮૭૦૯.
ઝાડ પરથી ફૂલ ખરશે, મ્હેક ક્યાં ખરતી કદી?
એટલે તો દેહ જાશે, ને રહેશે આ પરાગ.
૮૭૧૦.
ગામ છોડ્યું, તો ય મારાથી નથી છૂટ્યું હજી,
રોજ સપનામાં હજી હું ગાય લઈ ચરવા જતો.
– પરાગ રતનપરા