← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૬૯૯૧–૭૦૧૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૬૯૯૧.
મને મારા જ ઘરમાં ઓળખે ના આયનો સુધ્ધાં,
ન પડછાયો ય ઓળખતો, ન ઓળખતું ગલીનું ઘર.

૬૯૯૨.
તમે ચાલ્યાં ગયાં, ત્યારે જ જાણ્યું શ્વાસની કિંમત,
હવા પણ ભાર લાગે છે, ગગન પણ લાગતું ભીંસે.

૬૯૯૩.
ઘણાં વર્ષો પછી ગામે ગયો, ને ઓટલો રોયો,
કહે: ‘આવ્યો? અહીં ખાલી બધું, ચાલ્યા ગયા સૌયે.’

૬૯૯૪.
સભામાં ‘જળ બચાવો’નાં ઘણાં ભાષણ થયાં, ત્યારે
તળે મંચે પડી’તી સો ય ખાલી બૉટલો, જોજો!

૬૯૯૫.
જરા ધીમે પગે ચાલો, અહીં માની ચિતા ઠરતી,
હજી એ રાખમાં પણ જાગતી, જો બાળ રડતું હો.

૬૯૯૬.
કદી ઝાકળ, કદી ઝરણું, કદી દરિયો, કદી ધુમ્મસ,
બધાં રૂપે ફરે પાણી, છતાં પાણી જ છે પાણી.

૬૯૯૭.
હસી લીધું, રડી લીધું, અને જીવ્યો ય પળ બે પળ,
નથી રાખ્યો હિસાબો મેં, અમારી એ જ મૂડી છે.

૬૯૯૮.
તને મળવા ઘરે આવ્યો, હતો ઉંબર, ન તું ત્યાં’તી,
હતો દીવો ઝરૂખામાં, તમારી મ્હેક બાકી’તી.

૬૯૯૯.
બરફની રાતમાં ઊભો હતો એ સરહદે ત્યારે,
અમે ઘરમાં ધરી ધાબળ, શહીદો પર ગઝલ લખતા.

૭૦૦૦.
પરાગે જિંદગી આખી સુગંધોમાં ગુજારી, ને
ગયો ત્યારે હવાને મ્હેકનો વારસ બનાવી ગ્યો.

૭૦૦૧.
ગરીબીનો અરથ પૂછો તમે એ બાળને, જેણે
રમકડાં કાચ પાછળ જોઈ, ભૂખ્યું પેટ દાબ્યું’તું.

૭૦૦૨.
તમારી એક ‘હા’ માટે, વરસ વીત્યાં, સદી વીતી,
અને જ્યારે મળી ‘હા’, ત્યાં સુધી તો ‘ના’ જ સારી’તી.

૭૦૦૩.
હતો આંબો, હતો પીપળ, હતો વડ, ને હતી વાડી,
હવે ત્યાં ‘ગ્રીન વૅલી’ નામની સોસાયટી ઊભી.

૭૦૦૪.
ઘણા ફિલ્ટર લગાડીને, થયા ‘સેલ્ફી’ મહીં સુંદર,
અરીસો સાચ બોલ્યો, તો અમે તોડ્યો તરત એને.

૭૦૦૫.
નથી વરસાદ, વ્યાજે ડૂબતો જાતો બિચારો આ,
તળાવે ચાંદ દેખીને, થયું: આ રોટલો હોતે!

૭૦૦૬.
કદી મીરાં, કદી શબરી, કદી રાધા, કદી સીતા,
હતા એ સૌ થકી ઈશ્વર, નહીં તો કોણ પૂજાતે?

૭૦૦૭.
ઘડી બેઠા, ઘડી ઊઠ્યા, ઘડી હાંફ્યા, ઘડી દોડ્યા,
ઘડી માટે જ આવ્યા’તા, ઘડીમાં સૌ ગયા ચાલ્યા.

૭૦૦૮.
નવી ગાડી, નવાં જૂતાં, નવાં કપડાં, નવાં ચશ્માં,
છતાં જૂની જ આંખોથી જગત જોતા હતા સઘળા.

૭૦૦૯.
તમે દીધેલ ઘાવો પર હવે તો ફૂલ ઊગ્યાં છે,
હવે ફરિયાદ ક્યાં બાકી? કહો, આભાર બસ તમને.

૭૦૧૦.
પરાગે ફૂલને પૂછ્યું: ‘તને શું ખીલવામાં છે?’
કહે એ: ‘ખીલવું પોતે, ન માગું કોઈ પણ વળતર.’

૭૦૧૧.
હવાએ દીપને કીધું: ‘સખા, તું ના ડરે મુજથી,’
પછી એણે જ ફૂંકીને બુઝાવ્યો દીપ હસતાં, લો!

૭૦૧૨.
ઘણા શબ્દો ઉપાડ્યા મેં, ગઝલ મા પર લખી જોવા,
બધા ઓછા જ લાગ્યા, ને લખી ‘બા’, ત્યાં ગઝલ પૂરી.

૭૦૧૩.
હતાં નળિયાં, હતાં ચકલાં, હતો ચૂલો, હતી બા પણ,
હવે છે ફ્લૅટ, ને ભીંતે છબીમાં બા હસે જાણે.

૭૦૧૪.
અદાલતમાં ગયો સાચો, પરત આવ્યો ઉઘાડે પગ,
ખબર ત્યારે પડી: આ ન્યાયને પણ આંખ ક્યાં બાકી?

૭૦૧૫.
પરાગે આખરી શ્વાસે, હવાને એટલું કીધું:
‘ન શોધો ફૂલમાં મુજને, મળીશું આપણે શબ્દે.’

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૬૯૫૬–૬૯૯૦આગલો લેખ →છૂટા શેર ૭૦૧૬–૭૦૬૫