← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૬૯૫૬–૬૯૯૦

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૬૯૫૬.
નથી કોઈ ઘરમાં, બળે તોય દીવો,
હજી સાંજ પડતાં ઝગે બા વગર પણ.

૬૯૫૭.
ગયાં વર્ષ, બાળક થયો તો ય મોટો,
છતાં માવડી પૂછતી: ‘કંઈ ખાધું?’

૬૯૫૮.
ઇમોજી હસે છે, રડે માણસો સૌ,
નથી હાસ્ય સાચું કશે આજ ક્યાંયે.

૬૯૫૯.
તમે ફૂલ આપ્યું, અમે ગીત આપ્યું,
સુકાયું ભલે ફૂલ, ગીતો હજી છે.

૬૯૬૦.
તરસતી ધરા, વાદળો ગુમ, બિચારો
હજી વ્યાજ ભરતો, હજી આભ ભાળે.

૬૯૬૧.
ન ભાષા, ન ધરમો, ન કો જાત-ભેદો,
મનુષ્યો જ સાચું સ્વયં એક તીરથ.

૬૯૬૨.
ખરીદી ઘડી, પણ સમય ના ખરીદ્યો,
હવે હાથ પર બોજ, ઘડિયાળ ભારે.

૬૯૬૩.
તમે એક પળ માત્ર હસતાં હતાં, ને
અમે જિંદગીભર ઉજાણી કરી ત્યાં.

૬૯૬૪.
પતંગે ગગન સાથ વાતો કરી, ને
હતી ડોર ધરતી કને, એ ન જાણ્યું.

૬૯૬૫.
પરાગે ન માગ્યો કશો તાજ ક્યારે,
હવાનો ખભો, ને સુગંધી ખજાનો.

૬૯૬૬.
ઘણા રંગ મેળે, ઘણી ભીડ મેળે,
પિતા સાથ હો, તો જ મેળો મજાનો.

૬૯૬૭.
ન નૌકા, ન નાવિક, હલેસાંય ક્યાં છે,
છતાં પાર થઈ ગ્યો ભરોસે ભરોસે.

૬૯૬૮.
સડક પણ ધખે, ને હવા પણ બળે છે,
ઉઘાડે પગે એક છોરી ફરે છે.

૬૯૬૯.
તમારી ગલી પાર કરતાં ઘડીભર
હજી પગ અટકતા, હજી મન ધબકતું.

૬૯૭૦.
વિદેશે બધું છે, મકાનો ય મોટર,
છતાં સ્વપ્નમાં બળદગાડું જ ચાલે.

૬૯૭૧.
જરા ઠેસ વાગી, સ્મરી ‘મા’ તરત મેં,
ખુદાનું ન આવ્યું કદી નામ હોઠે.

૬૯૭૨.
ગ્રુપે રોજ ફૂલો, ગ્રુપે સૂર્ય ઊગે,
ન બારી ઉઘાડી, ન જોયું સવારે.

૬૯૭૩.
હતો એક ચોરો, હતી એક હોળી,
હવે ચાર ઝંડા, હજારો ય ટોળી.

૬૯૭૪.
પુરુષને ભણાવ્યું: ‘રડે ના કદી તું’,
અને આંસુ એનાં ગયાં સૌ ઠરીને.

૬૯૭૫.
પરાગે લખી’તી ગઝલ ફૂલ-પાને,
હવાએ ઉઠાવી, વહાવી દિશાએ.

૬૯૭૬.
તમે આવતાં ઘર થયું ફૂલવાડી,
ગયાં, તો બધું રણ, બધે ઝાંઝવાંઓ.

૬૯૭૭.
ગરીબી હટાવો — ઘણાં વર્ષ ગાજ્યું,
ગરીબો ગયા, પણ ગરીબી હજી છે.

૬૯૭૮.
ઘડો ફૂટશે, ને થશે એ ય માટી,
ગગન અંદરે, એ ગગનમાં ભળે છે.

૬૯૭૯.
હજારો મળે ‘હાર્ટ’ ફોટા ઉપર, ને
હૃદય તૂટતાં કોઈ આવ્યું નહીં ત્યાં.

૬૯૮૦.
તને જોઈ ચાંદો ય શરમાઈ ગ્યો, ને
છુપાયો તરત વાદળે, બાપડો એ.

૬૯૮૧.
ઘણી ઠોકરોમાં ઘડાતો ગયો હું,
હથોડા વિના ક્યાં કદી શિલ્પ ઊગે?

૬૯૮૨.
તને સાંભળું, ને ગઝલ જન્મ લે છે,
તને જોઈ, શબ્દો થતા મૌન સઘળા.

૬૯૮૩.
ઘડીભર જરા શ્વાસ લીધો નિરાંતે,
હતાં ફૂલ, પંખી, સવારો ય સાથે.

૬૯૮૪.
ભુલાતી જતી માતૃભાષા અમારી
કણસતી પડી એ ઘરે ઓશિયાળી.

૬૯૮૫.
પરાગે ધરી મ્હેક સૌ વાયરાને,
ન માગ્યો કશો યશ, ન માગી નિશાની.

૬૯૮૬.
ગયો કાલ, ને આવશે કાલ, વચ્ચે
ગુમાવી અમે ‘આજ’, ખોયું બધું યે.

૬૯૮૭.
કિનારે ઘરોંદો હતો રેતનો, પણ
સમંદર ગયો લઈ, છતાં હાસ્ય બાકી.

૬૯૮૮.
ફળોથી ભરેલી નમે ડાળ સઘળી,
ઘણું જાણનારા જ મૌની રહે છે.

૬૯૮૯.
દવાઓ કરી ખૂબ, ને ખૂબ ખર્ચ્યું,
ગયો તાવ, જ્યાં હાથ બાએ ફરાવ્યો.

૬૯૯૦.
પરાગે ગઝલને હવામાં ઉછાળી,
ધરા પર પડી, ને બહારો ઉગાડી.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૬૯૧૬–૬૯૫૫આગલો લેખ →છૂટા શેર ૬૯૯૧–૭૦૧૫