છોડીને
ચલો આગળ વધું, મનનો પુરાણો ભાર છોડીને,
કદી જીત્યો, કદી હાર્યો, હવે તકરાર છોડીને.
અબોલા ભાઈ સાથે જે હતા વરસો પુરાણા, ત્યાં
ગયો એને ઘરે ભેટી, હૃદયનો ખાર છોડીને.
નથી જાવું મને વનમાં, નથી ભગવાં, નથી માળા,
મળે છે શાંતિ ઘરમાં પણ, વગર સંસાર છોડીને.
ઘણી ખુરશી, ઘણી ગાડી, સલામો પણ ઘણી લીધી,
ગયો હું ગામની કેડી, બધા દરબાર છોડીને.
‘પરાગે’ એ જ શીખ્યું છે, ખરે છે ફૂલ ત્યારે તો
મળીશું ધૂળમાં અંતે, બધો શણગાર છોડીને.
– પરાગ રતનપરા
#ગઝલ #મુક્તિ #જતુંકરવું #અહંકાર #શાંતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #LettingGo #MovingOn #InnerPeace #Humility #ParagRatanpara