છેતરે
રણ વચોવચ ઝાંઝવાંના આ નજારા છેતરે,
ચૂંટણી ટાણે બધાને જોર-નારા છેતરે.
એ હસી’તી સાંજના, હું રાતભર જાગ્યો છતાં,
પ્રેમમાં તો રોજ મીઠા એ ઇશારા છેતરે.
હાથ પકડીને ચલાવ્યો, એ જ મોટો થઈ ગયો,
આંખ ઝાંખી, ને હવે એના સહારા છેતરે.
સાગરે તોફાન સામે નાવ મારી ઝૂઝતી,
છેવટે તો શાંત લાગે, એ કિનારા છેતરે.
આ પરાગે રાતભર આકાશ વાંચ્યું તોય પણ,
રાહ સાચી ના મળી, ખરતા સિતારા છેતરે.
– પરાગ રતનપરા
#ગઝલ #છલના #મૃગજળ #ભ્રમ #જીવનસત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Illusions #Mirage #Deception #HardTruths #ParagRatanpara