છેલ્લું ઝાડ
સોસાયટીની મીટિંગ ભરાણી, એજન્ડા એક જ ઝાડ,
પાંદડાં ખરે ને ગાડી બગડે — કાપો એને, પાડ!
સેક્રેટરી બોલ્યા: ‘ભાઈ, પાર્કિંગ ઓછું પડે,’
ખજાનચી કે’: ‘એનાં મૂળ તો ટાંકી સુધી નડે;’
ચકલી બોલી: ‘મારો માળો? ક્યાં લઈ જાઉં લાડ?’
સોસાયટીની મીટિંગ…
ઝાડ કપાયું, પાર્કિંગ થયું, ગાડી ચમકે ચોખ્ખી,
મે-જૂન આવ્યા, લૂ વાઈ, ને સૌની હાલત ધોખી;
એસી ચાલે, બિલ ઊછળે, ને ખિસ્સે પડે પછાડ…
સોસાયટીની મીટિંગ…
પરાગ કહે: પછી મીટિંગ ભરાણી, નવો ઠરાવ થયો,
‘વૃક્ષારોપણ દિવસે સૌએ ફોટો પડાવવો રહ્યો!’
એક કૂંડું ને સો સેલ્ફી — ને ઝાડ? એ તો ગયું ભાડ!
સોસાયટીની મીટિંગ…
– પરાગ રતનપરા