← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેલ્લો ફુગ્ગો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફૂટપાથ પર
ભરબપોરે
એક છોકરો
ફુગ્ગા વેચતાં વેચતાં
આકાશ સામે જુએ છે.

એનાં સપનાંને
રાતની જરૂર નથી,
ઊંઘની જરૂર નથી,
પથારીની તો નહીં જ.

એ જાગતી આંખે
પાઇલટ બને છે.

ને સાંજે
છેલ્લો ફુગ્ગો
વેચાયા વિના
હાથમાંથી છટકીને
આકાશમાં ચાલ્યો જાય છે —

જાણે
એનું એક સપનું
એની પહેલાં જ
ઊડી ગયું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅસ્તઆગલો લેખ →બોગદું