છેલ્લી બસ
ગામના બસ-સ્ટૅન્ડે
એક ડોસા રોજ સાંજે
બાંકડે બેસે છે.
છ વાગ્યાની બસ
ત્રણ વરસથી બંધ છે —
‘ખોટમાં ચાલતો રૂટ’,
એવું કોઈ ઑફિસે લખ્યું.
ડોસાને કોઈ કહે:
‘કાકા, હવે બસ નથી આવતી.’
એ કહે: ‘ખબર છે.’
તોય રોજ
છ વાગ્યે
એ રસ્તાના વળાંક સામે જુએ છે.
એક દિ’ મેં પૂછ્યું:
‘કોની રાહ જુઓ છો?’
એમણે બંડીના ખિસ્સામાંથી
એક વાળેલો કાગળ કાઢ્યો —
દીકરાનો છેલ્લો પત્ર:
‘બાપુ, છ વાગ્યાની બસમાં આવું છું.’
બસ બંધ થઈ ગઈ,
પત્ર બંધ થઈ ગયા,
પણ છ વાગ્યા
હજી
રોજ થાય છે.
– પરાગ રતનપરા