← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નાનો હતો ત્યારે
અંધારાથી ડરતો.
બા દીવો ઠારે,
ને હું બાની સાડીનો છેડો પકડી
સૂઈ જતો.

હવે
શહેરમાં
રાત પડતી જ નથી —
હોર્ડિંગ્સ, હેડલાઇટ, મોબાઇલ;
ઊંઘ પણ
અજવાળામાં
ઘૂસણખોરી કરે છે.

આજે
વીજળી ગઈ,
ઘડીભર
આખું મકાન અંધારું.

ને મારો હાથ
અનાયાસે
કોઈ છેડો
શોધવા લાગ્યો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆયનોઆગલો લેખ →રોટલો, ઓટલો ને ગરબો