છત્રી
બાપુજીની છત્રી —
કાળી, મોટી, લાકડાના હાથાવાળી.
એમાં ત્રણ જણ સમાઈ જતાં:
બાપુજી, બા, ને વચ્ચે હું.
બાપુજી અડધા ભીંજાતા,
બા અડધી,
ને હું આખો કોરો.
આજે મારી પાસે
ફોલ્ડિંગ છત્રી છે,
બટન દબાવો ને ખૂલી જાય.
એમાં એક જ જણ સમાય છે.
ગયા ચોમાસે
દીકરો ભીંજાતો દોડી આવ્યો,
મેં છત્રી એની તરફ નમાવી,
ને મારો ખભો ભીંજાયો —
ત્યારે સમજાયું,
છત્રી કદી માપથી નાની નથી હોતી,
બાપ માપથી
મોટો હોય છે.
– પરાગ રતનપરા