ચશ્માં
મ્યુઝિયમના કાચના કબાટમાં
ગાંધીજીનાં ચશ્માં —
ગોળ, પાતળી ફ્રેમ,
એક દાંડી પર જૂની દોરી.
પૌત્રીએ પૂછ્યું:
‘દાદા, આ ચશ્માં કેમ અહીં રાખ્યાં છે?’
મેં કહ્યું:
‘જેથી આપણે જોઈ શકીએ
કે એ શું જોતા હતા.’
એ ઘડીક વિચારમાં પડી,
પછી બોલી:
‘તો પછી
કોઈ એને પહેરતું કેમ નથી?’
ચોકીદારે
કાચ પર પડેલાં
એની નાની આંગળીઓનાં નિશાન
રૂમાલથી લૂછી નાખ્યાં.
– પરાગ રતનપરા