← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચપટી માટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમદાવાદના ઍરપૉર્ટ પર
સિક્યૉરિટીવાળાએ
મારી બૅગ ખોલી.

અંદરથી નીકળી
એક નાની કાચની બરણી —
ચપટીક લાલ માટી.

‘આ શું છે?’
એણે કડક અવાજે પૂછ્યું.

હું શું કહું?
કે આ મારા ગામના ખેતરની માટી છે,
જ્યાં બાપુએ પહેલી વાર
મને ખભે બેસાડ્યો હતો?
કે આ એ ધૂળ છે
જેમાં માએ
મારાં પગલાં ઉપર
કંકુ છાંટ્યું હતું?

મેં ફક્ત એટલું કહ્યું:
‘મા છે.’

એ માણસ
એક ક્ષણ ચૂપ રહ્યો,
પછી બરણી ધીમેથી પાછી મૂકી,
બૅગ બંધ કરી,
ને બોલ્યો:
‘જાઓ, સાહેબ. સાચવીને લઈ જજો.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકમળઆગલો લેખ →યુદ્ધમાં