← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચણતર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ કડિયો છે.

ત્રીસ વરસથી
બીજાનાં ઘર ચણે છે —
ઈંટ પર ઈંટ,
સિમેન્ટ, રેતી,
અને
પોતાના પરસેવાનું પાણી.

દર ઘરનો
પહેલો પાયો નાખતી વખતે
એ ધરતીને પગે લાગે છે,
અને
છેલ્લો સ્લૅબ ભરાઈ જાય
ત્યારે
માલિક શ્રીફળ વધેરે છે.

એ દિવસે
એને પ્રસાદ મળે છે,
અને
બીજે દિવસે
એ ઘરના ઝાંપે
બોર્ડ લાગે છે:
‘કૂતરાથી સાવધાન.’

રાત્રે
એ પોતાની ઝૂંપડીની
ટપકતી છત નીચે
ડોલ ગોઠવે છે,
અને
ઊંઘમાં
કોઈના આંગણામાં
તુલસીક્યારો ચણે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખખબર નથીઆગલો લેખ →ગઝલ થઈ