ચલાવ્યું
નહોતું કશું, બસ નમકથી ચલાવ્યું,
દિવાળી, નયનની ચમકથી ચલાવ્યું.
ટપકતું હતું છાપરું ચોતરફથી,
અમે ધૂનની એ ખનકથી ચલાવ્યું.
કહે મા: ‘મને ભૂખ લાગી નથી, લે’,
અને પેટ એણે મલકથી ચલાવ્યું.
ઘરે વીજળી ક્યાં હતી વાંચવાને?
ગલી-થાંભલાની ઝબકથી ચલાવ્યું.
પરાગે ન માગ્યું કશું જિંદગીથી,
ગઝલના ગળાની હલકથી ચલાવ્યું.
– પરાગ રતનપરા
#ગઝલ #ગરીબી #મા #સંઘર્ષ #સંતોષ #પરાગરતનપરા
#GujaratiGhazal #Poverty #MothersSacrifice #Struggle #Contentment #ParagRatanpara