તડકે ધરું
ભેજ લાગ્યો છે હૃદયને, આંખને તડકે ધરું,
ભીંજવી ગઈ સાંજ, મારી પાંખને તડકે ધરું.
ગંગમાં ફૂલો વહાવ્યાં, તોય ચોંટી આંગળે,
આ સ્મરણની ભેજવાળી રાખને તડકે ધરું.
ભાઈઓ વચ્ચે હવે તો ભાગલાની વાત છે,
બાપદાદાની રળેલી સાખને તડકે ધરું.
ગાદલામાં સંઘરી’તી નોટ, ભીની થઈ બધી,
ચોરથી ડરતો રહું ને લાખને તડકે ધરું.
આ પરાગે ભેજથી ઝૂકી પડી છે ડાળખી,
ફૂલની ભીની નમેલી શાખને તડકે ધરું.
– પરાગ રતનપરા
#ગઝલ #ચોમાસું #સ્મરણ #પિતા #કુટુંબ #પરાગરતનપરા
#GujaratiGhazal #Monsoon #Remembrance #FamilyLegacy #Melancholy #ParagRatanpara