ચકલી
દીકરાની ડ્રૉઇંગ બુકમાં
એક નાનું પંખી દોર્યું હતું —
ભૂખરું, નાની ચાંચ, ટૂંકી પૂંછડી.
ટીચરે પૂછ્યું: ‘આ કયું પંખી?’
એ બોલ્યો: ‘દાદીની વાર્તાવાળું —
એક હતી ચકલી, એક હતો કાગડો…’
ટીચરે ‘ગુડ’ લખી આપ્યું.
મને થયું,
અમારા ફળિયામાં
જે રોજ સવારે
અરીસા સામે ચાંચ મારતી,
ને બાના સૂપડામાંથી
ચોખાના દાણા ચોરી જતી,
એ હવે
વાર્તામાં જ રહે છે.
ને આ ટાવરોની બારીઓ પર
કોઈ ચાંચ નથી મારતું —
અમે જ
અમારા અરીસામાં
એકલા ઝઘડ્યા કરીએ છીએ.
– પરાગ રતનપરા