← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચકલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાર રસ્તે
ટ્રાફિકના સિગ્નલના ખાનામાં
એક ચકલીએ માળો બાંધ્યો છે.

લાલ થાય,
પીળું થાય,
લીલું થાય —
હૉર્ન, ધુમાડો, ઘોંઘાટ.

ચકલી ડરતી નથી.
તણખલું લાવે,
ગોઠવે,
ઈંડાં સેવે.

આપણે
એક નાની નિષ્ફળતાએ
આખું શહેર છોડી દેવાનું વિચારીએ છીએ;
ને એ
આખા શહેરની વચ્ચે
એક તણખલાના ભરોસે
ઘર માંડી બેઠી છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખથાકી જાય તોઆગલો લેખ →ખંડેર