ચકલી
મારી દીકરીએ
ડ્રૉઇંગ બુકમાં
પૂછ્યું:
‘પપ્પા, ચકલી કેવી હોય?’
મેં ગૂગલ ખોલ્યું.
ફોટો જોઈને
એણે
ભૂખરા ક્રેયૉનથી
નાનું, ગોળ, ફૂલેલું પંખી દોર્યું,
ને નીચે લખ્યું:
‘ચકલી — લુપ્ત પ્રજાતિ.’
હું
બાળપણના ફળિયામાં પહોંચી ગયો —
જ્યાં બા
ચોખા વીણતી
ને દસ ચકલીઓ
એની સાડીના પાલવ સુધી
ઠેકતી આવતી.
તે રાતે
મેં બાલ્કનીમાં
એક માટીનું કૂંડું મૂક્યું,
થોડા દાણા,
થોડું પાણી.
દીકરી પૂછે:
‘આ શું?’
મેં કહ્યું:
‘તારી ડ્રૉઇંગ બુક ખોટી પાડવાની
એક કોશિશ.’
– પરાગ રતનપરા