ચકડોળ
મેળામાં ચકડોળ
ગોળ ગોળ ફરે છે.
ઉપર જઈએ ત્યારે
આખું ગામ નાનું લાગે,
નીચે આવીએ ત્યારે
પેટમાં
ગલગલિયાં થાય.
દાદા કહેતા:
‘જિંદગી પણ ચકડોળ છે, બેટા,
ઉપર જાય એ નીચે આવે.’
આજે હું
ઑફિસની લિફ્ટમાં
રોજ
ઉપર-નીચે થાઉં છું.
ગામ નાનું લાગતું નથી,
ગલગલિયાં થતાં નથી.
ચકડોળ ને લિફ્ટ વચ્ચે
ફરક એટલો જ —
ચકડોળમાં
બાજુમાં કોઈ
ચીસ પાડીને
હાથ પકડી લેતું.
– પરાગ રતનપરા