ચહેરા ઉપર ચહેરો
ચહેરા ઉપર ચહેરો રે ભાઈ, ચહેરા ઉપર ચહેરો,
સામે મીઠી સાકર જેવો, પાછળ વાંકો-ગહેરો.
જન્મદિવસે કેક લઈને દોડી આવે વહેલો,
‘ભાઈ ભાઈ’ કહી ભેટી પડે, સેલ્ફીમાં સૌથી પહેલો;
બીજે દા’ડે ચોરે બેસી તમને કહે ‘ઘેલો’…
ચહેરા ઉપર ચહેરો…
ઑફિસમાં સાહેબ સામે ઝૂકી ઝૂકીને બોલે,
સાહેબ જાય ત્યાં સાહેબની પોલ સૌની સામે ખોલે;
રંગ બદલવામાં તો એણે કાચિંડાને તોલે…
ચહેરા ઉપર ચહેરો…
પરાગ કહે: આ દુનિયામાં અરીસા વેચે સૌ,
પણ પોતાનો ચહેરો જોવા કોઈ ઊભું ના રહે, લો;
એક જ ચહેરો રાખો, ભલે હોય થોડો ઝાંખો-ભોળો…
ચહેરા ઉપર ચહેરો…
– પરાગ રતનપરા