ચાર રસ્તાના હનુમાન
ચાર રસ્તે
પીપળા નીચે
સિંદૂરિયા હનુમાન બેઠા છે.
ટ્રકવાળા
હૉર્ન મારીને સલામ કરે છે,
રિક્ષાવાળા
ધીમી પાડીને માથું નમાવે છે,
ને કોઈ કોઈ
શનિવારે
તેલની વાટકી ઢોળી જાય છે.
સંજીવની લાવનારા
આ દેવ
હવે
ટ્રાફિકમાં અટવાયા છે.
ધુમાડો,
હૉર્ન,
ધૂળ,
ને બાજુમાં
ગુટખાની પિચકારીઓ.
તોય
એમનો હાથ
હજી ઊંચો છે,
પહાડ ઉપાડ્યો હોય એમ.
હું રોજ
લાલ સિગ્નલ પર ઊભો રહી
એ હાથ જોઉં છું
ને વિચારું છું —
આ શહેરનો ભાર
એ ઊંચકીને બેઠા છે,
કે શહેરે
એમને
ત્યાં જ
ઊંચકાવી રાખ્યા છે?
– પરાગ રતનપરા