ચાની લારીએ
વીસ વર્ષ પછી
આપણે પાંચે
એ જ ચાની લારીએ ભેગા થયા.
લારીવાળો બદલાઈ ગયો છે,
પણ કીટલીનો ગોબો
હજી એ જ જગ્યાએ છે.
રમેશ હવે બૅન્કમાં મૅનેજર છે,
ને ચા ખાંડ વગરની પીએ છે.
સુરેશ અમેરિકાથી આવ્યો છે,
ને દર પાંચ મિનિટે
ઘડિયાળ જુએ છે.
મહેશ પાર્ટીમાં જોડાયો છે,
એટલે ચાના પૈસા
એણે જ ચૂકવ્યા.
ને દિનેશ
ફોટામાં, હાર પહેરીને,
આજે નથી આવ્યો.
ચાર કપ મંગાવ્યા,
પણ લારીવાળાએ
ટેવ મુજબ
પાંચ મૂક્યા.
કોઈ કંઈ બોલ્યું નહીં.
પાંચમો કપ
ધીમે ધીમે
ઠંડો થતો રહ્યો.
– પરાગ રતનપરા