← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાંદો કેમ પાછળ આવે?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગાડીમાં બારી પાસે બેઠેલો
મારો ચાર વરસનો દીકરો પૂછે:
‘પપ્પા, ચાંદો આપણી પાછળ પાછળ કેમ આવે?’

મેં વિજ્ઞાન સમજાવવા મોં ખોલ્યું —
અંતર, દૃષ્ટિ, ગતિ…

ત્યાં એ જ બોલ્યો:
‘મને ખબર છે.
દાદી ગામમાં એકલાં છે ને,
એટલે ચાંદો જોવા આવે છે
કે આપણે ક્યાં જઈએ છીએ.’

મેં ગાડી
ધીમી કરી.

પછી,
ખબર નહીં કેમ,
હાઇવે પરથી
ગામ તરફનો વળાંક લીધો.

ચાંદો
આખે રસ્તે
રાજી થતો સાથે આવ્યો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજાગતાંઆગલો લેખ →મૌનનો દીવો