ચાંદલિયો
ચાંદલિયો તો આભે ઊગ્યો, મારો ચાંદો પરદેશ,
રૂપેરી અજવાળે વાંચું સાજનનો સંદેશ.
ઝાંપે ઊભી જોઉં વાટ ને પાંપણ થઈ ગઈ ભારે,
વાયુ આવી વાતો કરતો, તોય ન હૈયું ઠારે;
ઘૂંઘટમાં ઢાંકું હું ચાંદો, ઢાંકું દિલનો કલેશ…
ચાંદલિયો તો આભે ઊગ્યો…
ચાંદલિયા, તું જાજે એને ગામ, ગલી ને શેરી,
કહેજે, ‘તારી ગોરી જાગે, આંખ ઉજાગર ઘેરી’;
એક કિરણ લઈ આવજે પાછું, એના સ્પર્શનો લેશ…
ચાંદલિયો તો આભે ઊગ્યો…
પરાગ કહે: આ ચાંદ ઘટે ને વધે અંધારી રાતે,
વિરહ પણ એવો જ, ઘટે ને વધે હૈયાની વાતે;
પૂનમ થાશે જે દિ’ સાજન પાછો આવે દેશ…
ચાંદલિયો તો આભે ઊગ્યો…
– પરાગ રતનપરા