ચાંદ
છોકરો:
તું મારો ચાંદ છે.
છોકરી:
એટલે?
હું રોજ ઘટું-વધું?
મારા પર ખાડા છે?
ને હું પણ
બીજાના અજવાળે ચમકું છું?
છોકરો:
ના, ના… એટલે કે…
તું સુંદર છે.
છોકરી:
તો સીધું કહે ને!
આ કવિઓએ
ચાંદ, ગુલાબ ને હરણીનાં
ઉછીનાં ઉપમાનો લઈને
પ્રેમનું દેવાળું કાઢ્યું છે.
છોકરો થોડી વાર ચૂપ રહ્યો,
પછી બોલ્યો:
‘તું…
તું છે.’
છોકરી હસી પડી.
પહેલી વાર
કોઈએ એને
એના પોતાના નામે ઓળખી હતી.
– પરાગ રતનપરા