ચાલશે
હોય ઘર નાનું ભલે ને સાવ ઓછું, ચાલશે,
છોકરાંનું હાસ્ય હો તો ઘર ય જૂનું ચાલશે.
ઑફિસે સાહેબ ગરજે, ઘેર ઘરવાળી લડે,
ચા મળે જો સાંજની તો સ્હેજ મોડું ચાલશે.
દીકરીની ફી ભરી ને માસ આખો તંગ છે,
બાપને તો એક ચશ્મું સ્હેજ ઝાંખું ચાલશે.
થાળમાં બે રોટલી ને દાળ થોડી પાતળી,
સાથ હો પરિવારનો તો શાક કાચું ચાલશે.
આ પરાગે સામટાં ફૂલો ખુશીનાં ક્યાં મળે?
બાગમાં એકાદ ગમતું ફૂલ ખીલ્યું ચાલશે.
– પરાગ રતનપરા
#ગઝલ #મધ્યમવર્ગ #સંતોષ #પરિવાર #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #MiddleClassLife #Contentment #Family #SmallJoys #ParagRatanpara