ચાકડો
કુંભારે ઘડ્યો ઘડૂલો, ચાકડે ચડાવી ફેરવ્યો રે,
માટીને આકાર દઈને, માનવ નામે ઠેરવ્યો રે.
ટપલે ટપલે ઘાટ ઘડાયો, ભઠ્ઠીમાં તપવા મૂક્યો,
જે તપ્યો ઈ ટકી ગયો, ને કાચો ત્યાં જ ઝૂક્યો;
પાણી ભરી પનિહારી લઈ ગઈ, ઠંડો ઠંડો સેવ્યો રે…
કુંભારે ઘડ્યો…
કોઈ ઘડો મંદિરે ચડ્યો, કોઈ પરબે બેઠો,
કોઈ ઠેસે ફૂટી ગયો, ને ઠીકરું થઈ ઠેઠો;
ફૂટ્યો તો યે માટી પાછી, ધરતીએ ઝીલ્યો, હેરવ્યો રે…
કુંભારે ઘડ્યો…
પરાગ કહે: આ ઘડૂલો તું, ને ઘડનારો છે ઉપર,
ગરવ કરે શું ઘાટ ઉપર, જ્યાં માટી છે ભીતર;
ખાલી થઈને જે ગાયો, એણે જ સૂરને ખેરવ્યો રે…
કુંભારે ઘડ્યો…
– પરાગ રતનપરા