← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાહતો રહીશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું તને ચાહું છું
એમ કહેવામાં
હવે ઉંમર થોડી મોટી પડે છે.

એટલે
તારી દવાની ગોળીઓ
સવાર-સાંજના ખાનામાં
ગોઠવી દઉં છું.

તારાં ચશ્માં
તને જડે એ પહેલાં
ટેબલ પર મૂકી દઉં છું.

તું ઊંઘી જાય પછી
પંખો એક ‘પોઇન્ટ’ ધીમો કરું છું.

જુવાનીમાં
તને ચાંદ-તારા લાવી આપવાનું
વચન આપ્યું હતું.

હવે સમજાય છે,
પ્રેમ
ચાંદ-તારા લાવવામાં નહીં,
રાત્રે તું પાણી માગે
તે પહેલાં
લોટો ભરીને
ઓશીકે મૂકવામાં છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઇચ્છાના પતંગઆગલો લેખ →ત્રણ નાનાં કાવ્ય