ચાહતો રહીશ
હું તને ચાહું છું
એમ કહેવામાં
હવે ઉંમર થોડી મોટી પડે છે.
એટલે
તારી દવાની ગોળીઓ
સવાર-સાંજના ખાનામાં
ગોઠવી દઉં છું.
તારાં ચશ્માં
તને જડે એ પહેલાં
ટેબલ પર મૂકી દઉં છું.
તું ઊંઘી જાય પછી
પંખો એક ‘પોઇન્ટ’ ધીમો કરું છું.
જુવાનીમાં
તને ચાંદ-તારા લાવી આપવાનું
વચન આપ્યું હતું.
હવે સમજાય છે,
પ્રેમ
ચાંદ-તારા લાવવામાં નહીં,
રાત્રે તું પાણી માગે
તે પહેલાં
લોટો ભરીને
ઓશીકે મૂકવામાં છે.
– પરાગ રતનપરા