બંગલો
એ બંગલામાં
સાત બાથરૂમ છે,
ચાર ગાડીનું ગૅરેજ છે,
દરેક ઓરડામાં
દીવાલ જેટલું મોટું ટીવી છે,
ને દરવાજે
બંદૂકધારી ચોકીદાર છે.
નથી તો બસ
એક અવાજ —
‘ચાલો, જમવા બેસો,
ઠરી જશે.’
નોકરે પીરસેલું ભાણું
ક્યારેય ઠરતું નથી;
એ તો
પહેલેથી જ ઠંડું હોય છે.
ગામનું
એક ઓરડાનું ઘર યાદ આવે છે,
જ્યાં ચૂલા પાસે બેસીને
બા રોટલો ટીપતી
ને ટીપતાં ટીપતાં
આખા ઘરને
એક જ તાવડીમાં
શેકી નાખતી —
ગરમાગરમ.
– પરાગ રતનપરા