← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભૂલીશ ક્યાંથી?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભૂલવાની વાત કરે છે, પણ ભૂલીશ તું ક્યાંથી?
તારા શ્વાસે શ્વાસે હું છું, છૂટીશ તું ક્યાંથી?

સવારે ચા પીતાં પહેલાં કપમાં મારું મોઢું,
સાંજે બારી બંધ કરે ત્યાં ઝાંખું મારું ઓઢું;
રાતે ઓશીકે મ્હેકું, એ મ્હેક ધોઈશ ક્યાંથી?
ભૂલવાની વાત…

ગીતો ગાવા બેસે ત્યાં તો મારું નામ જ આવે,
ભીડમાં ભળવા જાય તો પણ મારી યાદ સતાવે;
કાગળ ફાડે, પણ હૈયાના અક્ષર ભૂંસીશ ક્યાંથી?
ભૂલવાની વાત…

પરાગ કહે: આ પ્રેમ નથી કંઈ પાટી પરનું લખાણ,
ભૂંસો એટલું ઊંડું થાય, એવું એનું ભાણ;
ભૂલવાનું તો બહાનું, સાજન, છૂટવું સહેલું ક્યાંથી?
ભૂલવાની વાત…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભણીઆગલો લેખ →તને શોધું