તને શોધું
નયન મીંચી, હૃદય ખોલી, દિશાઓમાં તને શોધું,
હવે મંદિર નથી જાતો, દુઆઓમાં તને શોધું.
હતું ફળિયું, હતો વડલો, હતું બચપણ, હતા આપણ,
હજી એ વડ તણી ઝૂકી ઘટાઓમાં તને શોધું.
હતી મા, ને હતી વાર્તા, ભરેલી રાતની ગોદે,
હવે બસ યાદની ઝાંખી કથાઓમાં તને શોધું.
કહે તું, ‘હું જ સેવક છું’, મળે ના કેમ શેરીએ?
હવે પડદે, હવે મંચે, સભાઓમાં તને શોધું.
પરાગે મ્હેક થઈ જાણ્યું, વસે તું શ્વાસમાં, તો પણ
નકામો હું હિમાલયની ગુફાઓમાં તને શોધું.
– પરાગ રતનપરા
#ગઝલ #શોધ #આધ્યાત્મ #બાળપણ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Seeking #InnerDivine #Childhood #Satire #ParagRatanpara