← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભૂલી જઈએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મન કહે:
‘ચાલ, આજે
એને ભૂલી જઈએ.’

હૃદય કહે:
‘સારું.
પણ પહેલાં
એની આંખોનો રંગ
બરાબર યાદ કરી લઉં,
એના હાસ્યનો અવાજ,
એના પગલાંની ઉતાવળ,
એ ગઈ ત્યારે
પાછું વળીને જોયું’તું — એ ક્ષણ પણ.’

મન કહે:
‘આ શું કરે છે?’

હૃદય કહે:
‘ભૂલવા બેઠો છું.
એટલે તો
ભૂલવા જેવું
કશું ભૂલી ન જાઉં.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઢેલ ને મોરઆગલો લેખ →બાગમાં