ભૂલી જઈએ
મન કહે:
‘ચાલ, આજે
એને ભૂલી જઈએ.’
હૃદય કહે:
‘સારું.
પણ પહેલાં
એની આંખોનો રંગ
બરાબર યાદ કરી લઉં,
એના હાસ્યનો અવાજ,
એના પગલાંની ઉતાવળ,
એ ગઈ ત્યારે
પાછું વળીને જોયું’તું — એ ક્ષણ પણ.’
મન કહે:
‘આ શું કરે છે?’
હૃદય કહે:
‘ભૂલવા બેઠો છું.
એટલે તો
ભૂલવા જેવું
કશું ભૂલી ન જાઉં.’
– પરાગ રતનપરા